‘કમાઉ દીકરો’ ચુનીલાલ મડિયા ડો. વિશ્વનાથ ૫ટેલ
‘કમાઉ દીકરો’ ચુનીલાલ મડિયાના પ્રથમ વાર્તાસંગ્રહ ‘ઘુઘવતાં પૂર’માં સંગ્રહાયેલી વાર્તા છે. મડિયાની કેટલીક ઉત્તમ વાર્તાઓમાં ‘કમાઉ દીકરો’ વાર્તાનો સમાવેશ થાય છે. આ વાર્તામાં એક તરફ પશુની તીવ્ર કામેચ્છા અને બીજી તરફ માનવીની તીવ્ર ધનલાલસા બંને બાબતોને મડિયાએ સમાંતરે મૂકી તેમની પ્રબળ સર્ગશક્તિનો પરચો આપ્યો છે.
આ વાર્તામાં માનવમાં રહેલી ધનલાલસાનો આવેગ અને પશુમાં રહેલી જાતીયતાના આવેગોને સમાન બિંદુએ રજૂ કરી મડિયાએ વાર્તાનું નિરૂપણ કુશળતાથી કર્યું છે. તો વળી એક બિંદુથી માનવીનો પશુ પ્રત્યેનો પ્રેમભાવ પણ નિરૂપ્યો છે. પ્રેમ, કામ અને લોભ જેવા આદિમ આવેગોને મડિયાએ અહીં આલેખ્યા છે. લખુડાનો રાણા (પાડા) પ્રત્યેનો પુત્રવત્ વાત્સલ્યનો ભાવ, રાણાનો કામભાવ અને ગલાશેઠનો લોભ; એક તરફ ગલાશેઠનો લોભ અને બીજીતરફ રાણાનો પ્રબળ કામાવેગ બંને વચ્ચેના સૂક્ષ્મ સંઘર્ષમાં પિસાઈ જતો લખુડો, રાણામાં પોતાના મૃતપુત્રના દર્શન કરતો, છતાં પશુ એ પશુ છે. જેના વડે લખુડો મોતને ઘાટ ઊતરી જાય છે, પરંતુ રાણો તો પશુ છે, જયારે ગલાશેઠ માણસ હોવા છતાં પણ પશુથી જરાય ઊતરતા નથી. તેમનામાં રહેલી લાલચથી નિર્દોષ લખુડાનો ભોગ લેવાય છે.
અધણિયાત વહુની જેમ જેની ચાકરી કરી હતી તે ભેંસને પાડો આવ્યો ત્યારે “દવરામણનો સવા રૂપિયો પણ માથે પડ્યો…”૩ એવો વિચાર ગલાશેઠના મનમાં આવી ગયો. થોડીક ક્ષણો માટે પણ આવેલો આ વિચાર ગલાશેઠના આંતરિક વ્યક્તિત્વને પ્રગટાવી જાય છે. ગલાશેઠ પાડાને પાંજરાપોળમાં મૂકવાનું ટાળે છે. જેમાં જીવદયાની ભાવના છે; વાસ્તવમાં ‘ઘરની આબરૂ’નો સવાલ છે, ને કદાચ અન્ય કરતાં ગલાશેઠ જુદા વ્યક્તિ છે લોભી છે, એમને એમ પાડો કોઈને આપી દેવા નથી માંગતા ! તેની પ્રતીતિ આપણને થાય છે. પાડો થોડોક મોટો થાય છે. પછી એ જ પાડાને પાંજરાપોળમાં મૂક્વા માટે શેઠ લઈ જાય છે. ત્યાં રસ્તે મળી ગયેલા લખુડાને પાડો સોંપી દે છે. પરંતુ ગલાશેઠ અહીં એક કાંકરે બે પક્ષી મારે છે. પોતાના જેવા મોટા માણસના ઘેરથી ઢોર મહાજનવોડ મૂક્તાં જતી આબરૂ સલામત રહે છે, ને જતે દિવસે લખુડો દવરામણનો ધંધો કરે તેમાંથી પણ પોતાને કમાણી થાય તેમ છે. એટલે જ તો ગલાશેઠ લખુડાને કહે છે… “દવરામણના પૈસા આવે એમાંથી મને કેટલું જડે… ?”૪
શેઠની લાલચના અહીં પહેલા વહેલા દર્શન થાય છે. તો વળી લખુડો ગોવાળ ખડાયાને ડચકારતો ડચકારતો પડખેથી પસાર થઈ રહ્યો છે. ત્યારે તેને જોતા પાડો રણકીને ઊભો રહી ગયો છે. આ પાડો તો હજી ‘પાડરડું’ હતો ત્યારથી જ એના આવા ‘લખણ’ લખુડો વરતી ગયો હતો. લખુડો પ્રાણીનો પરખંદો આદમી હતો. ખડાયાને જોઈ પાડો રણકીને ઊભો રહ્યો, જાણે કોકે તેનાં પગમાં મણમણનાં સીસાનાં ઢાળિયાં ઢાળી ન દીધાં હોય ? પાડાના રણકામાં એની દુર્દમ્ય વાસનાનો રણકો લખુડો પારખી જાય છે. આ વાતને વધુ સ્પષ્ટ કરતું વર્ણન મડિયાએ કર્યું છે…. “ભેંસ એક તો ભરાઉ ડીલવાળી ને એમાં પાછુ ચડતું લોહી; એટલે આંચળ પણ ખોબામાં ન સમાય એવા…. લખુડાએ પાડાને ડચકારા કરી જોયા, પણ સાંભળે જ કોણ ? પૂંછડું ઊંબેળ્યું પણ ખસે એજ બીજા… લખુડે ફરી પાડાને બે ચાર ગાળો સંભળાવી અને પોતાનો પરોણો પાડાની પીઠ ઉપર સબોડ્યો પણ પાડો તો ફરીથી રણકીને ખડાયા સામો ઊભો થઈ રહ્યો…”પ લેખકે ભેંસના શરીરનું સુંદર વર્ણન આપ્યું છે તે સાથે સાથે તેના ‘ખોબામાં ન સમાય એવા આંચળ’ની વાત કરે છે, તે બહુ સૂચક રીતે કરી છે. એક ભેંસનું વર્ણન આ રીતે આપી પાડાની પ્રબળ કામેચ્છાઓનો જ નિર્દેશ કર્યો છે.
પાડાની જાતીયતાને ક્રમશઃ ઉત્કટ બનતી મડિયાએ કુશળતાપૂર્વક વાર્તામાં આલેખી છે. પહેલીવાર ખડાયાને જોઈ રણકીને ઊભો રહી ગયેલો પાડો એના જાતીય આવેગનો પહેલો સંકેત આપે છે. મધ્યરાત્રીએ ખીલો ઉખાડીને ખડાયાના વાંસા સાથે વાંસો ઘસતો રાણો એ એના જાતીય આવેગનો બીજો સંકેત રચી આપે છે એટલું નહીં તેની વાસનાઓ ગતિશીલ છે તે હવે વધી રહી છે તેનો પણ સંકેત વાર્તામાં મળે છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું આ બાબતે વિધાન નોંધવા જેવું છે, “પહેલામાં દર્શન છે, બીજામાં સ્પર્શ છે, સ્પર્શના બનાવથી ચેતી જઈને લખુડાએ રાણાના પગમાં તોડો અને નાકે નાકર નંખાવ્યાં…”૬
હવે રાણો સાવ તૈયાર થઈ ગયો હતો એટલે લખુડો ગામમાં વાત વહેતી મૂકે છે. “મારા રાણા પાસે ભેંસ દવરાવવી હોય તો રૂપિયો બેસશે;… પણ ગલાશેઠ બે રૂપિયા ભાવ બાંધવાનો આગ્રહ રાખ્યો…”૭ ગલાશેઠમાં ધનલાલસા ને રાણામાં કામવાસના સમાંતરે વધતી જોવા મળે છે. એટલે જ રાણાની કામવાસના સમાંતરે વધતી જોવા મળે છે. એટલે જ રાણાની વધતી ઘરાકી અને લખુડાની આબાદી શેઠ જીરવી શકતા નથી ને હવે બે રૂપિયાના અઢી રૂપિયા ભાવ કરવામાં આવે છે. પરંતુ જયાં સુધી રાણાને સંભોગનો અનુભવ નહોતો થયો ત્યાં સુધી તેને વારી શકાતો, પણ હવે તેને વારવો મુશ્કેલ બનતું જતું હતું. ગલાશેઠની પૈસા પાછળની દોડ અને રાણાની અતૃપ્ત કામવાસના બંને સમાંતરે આગળને આગળ વધતા જાય છે લેખકે રાણા વિશે એક જ સૂચક વિધાન કર્યું છે ઃ
“એનામાં સંસ્કાર પણ શેઠના જ હતા…”૮
શેઠને ત્યાં ઉછરેલો રાણો શેઠનાં લક્ષણોથી કેમ વંછિત રહી જાય ! ગલાશેઠની પૈસા માટેની વાસના હવે ચરસસીમાએ પહોંચી છે. સનાળીના ગામ પટેલ પોતાની ભગરી ભેંસ લઈ રાણા પાસે દવરાવવા આવ્યાં છે. રોંઢા નમતાં રાણો બરાબર તૈયાર થઈ ગયો હતો. ભગરી પણ ઠેકાણે આવી ગઈ હતી. રાણાને રોકવો હવે અશક્ય હતું. પરંતુ ત્યા અચાનક આવી ચડેલા ગલાશેઠ તકનો લાભ લે છે અને પરગામથી આવેલા ગામ પટેલ આસામી વ્યક્તિ છે. તેમની પાસે આઠ આની પાવલું વધારે મળવાની લાલચને રોકી શકતા નથી, ને ગામ પટેલને કહી દે છે…
“દવરામણના અઢી રૂપિયાને બદલે ત્રણ રૂપિયા પડશે…”૯ શેઠની કંજૂસાઈ જોઈ લખુડાને પણ અણગમો થાય છે. ગામ પટેલ કદાચ ત્રણ રૂપિયા આપી પણ દે, પરંતુ ગામલોકોની કાનભંભેરણીને શેઠના આકરા વચનથી ગામ પટેલ ભેંસને પાછી લઈ જવા તૈયાર થઈ જાય છે, બીજીબાજુ રાણાના વધતા જોરને જોઈ લખુડો શેઠને ચેતવે છે. “શેઠ, પાવલું આઠ આના ભલે ઓછા આપે. રાણા સામુ તો જરાક જુઓ…”૧૦ પણ મમતે ચડેલા ગલાશેઠ લખુડાની એકેય વાત સાંભળવા માંગતા નથી. રાણાની આંખ જોઈ લખુડો ફરી શેઠને વિનવે છે…
“શેઠ, આઠ આનરડીના લોભમાં પડોમાં ને આ જનાવરની આંખ સામે જરાક નજરો કરો…”૧૧
પણ ગલાશેઠ પોતાની ધનલાલસામાંથી મુક્ત થઈ શક્તા નથી. આખરે શેઠના હુકમને અનિચ્છાએ લખુડો સ્વીકારે છે. અને રાણાની નાકર એના તોડામાં ભરાવવા જતો જોઈ ચબૂતરે બેઠેલા બધા માણસો લખુડાને વારે છે. “એલા, રેવા દે! નાકર બાંધવી રેવા દે હો ! રાણિયાની આંખ ફરી ગઈ છે હવે ઈ ઝાલ્યો નહિ રહે…!”૧ર
પાડાની કામવાસના હવે પરાકાષ્ઠા એ પહોંચી છે. સાથે ઊભેલી ભગરી ભેંસ પાડાની આવશ્યક્તા અને લક્ષ્ય છે. તેની અને ભગરીની વચ્ચે આવનાર તમામ તેના દુશ્મન છે. લખુડો આ સમજે છે, પરંતુ ગલાશેઠ આ વાતને સમજવા જ માંગતા નથી.
નાકરની કડી ભરાવીને લખુડો હજી ઊભો થવા જાય છે ત્યાં જ રાણો વિફર્યો…
“એક છાકોટા સાથે એણે માથુ હવામાં વીંઝયું, અને નાકનાં ફોરણાનું જાડું ચામડું ચિરાઈ ગયું. નાકરની કડી તોડા સાથે જ પડી રહી અને રાણાના નાકમાંથી લોહીનો દરેડો છૂટ્યો ઃ પણ અતૃપ્તિની વેદના આગળ આ નસકોરાની વેદના શા હિસાબમાં ? રાણાએ વીફરીને લખુડા સામે શીંગડાં ઉગામ્યાં…”૧૩ લખુડો આડેધડ નાડો એનો પીછો જે રીતે રાણાએ પકડ્યો એનું વર્ણન મડિયાએ બહુ સરસ રીતે કર્યું છે. આખું વર્ણન ગતિશીલતા ધારણ કરે છે. જીવ બચાવીને ભાગતા લખુડાનું વર્ણન પણ પરિસ્થિતિને અનુરૂપ થયું છે. લખુડાને હંમેશાં દહેશત રહેતી કે…
“કોક દિવસ રાણાની આંખ ફરકશે તો મારાં તો સોયે વરસ એક ઘડીમાં પૂરા કરી નાખશે…”૧૪
આજે લખુડાને મૃત્યુનો સાક્ષાત્કાર થઈ ગયો હતો.
“પણ રાણાની કાળઝાળ આંખમાંથી લખુડો પોતાને બચાવી નહોતો શક્યો. ઢગલો થઈને પડ્યા પછી હાંફની ધમણ સહેજ પણ ધીમી પડે એ પહેલાં જ પાંસળાની કચડાટી બોલાવતા રાણાનો એક હાથીપગ લખુડાનાં પાંસળા ઉપર પડ્યો અને બીજી જ ક્ષણે લોહીમાંસ સાથે ભળી ગયેલ એ હાડકાંના ભંગાર-ટૂકડાઓમાં ભાલા જેવું એક અણિયાળું શીંગડું ભોંકાયું અને એક જોરદાર ઝાટકા સાથે, સૂતરની આંટીલી બહાર આવતી રહે એમ આંતરડાનું આખું જાળું બહાર ખેંચાઈ આવ્યું…
‘આવળના એ ખાબોચિયામાં લખુડાના ઊના ઊના લોહીનું જે પાટોડું ભરાણું એમાં રાણાએ ખદબદતો પેશાબ કરીને બધું સમથળ કરી નાખ્યું…”૧પ
રાણાએ પૂરેપૂરો બદલો લીધો. તેની ઉત્તેજિત કામેચ્છાને રોકનાર લખુડો નહોતો પણ ગલાશેઠ હતા એ પશુને કેમ કરી સમજાય. અહીં લખુડાની કરૂણતા જોઈ શકાય છે. ‘ખદબદતો એટલે કે ઊકળતો અતિશય ગરમ પેશાબ કરી દીધો’માં રાણીની તીવ્ર અતૃપ્તિનો સંકેત મળે છે. આ આદિમવૃત્તિ માણસ હોય કે પશુ તેને ભાન ભુલાવી દે છે. જેમ રાણો પોતાના બાપ સરખા લખુડાને ભૂલી જાય છે, ને તેને મોતને ઘાટ ઉતારી દે છે. તેમ ગલાશેઠ માણસ થઈને પણ પોતાની વાસનાઓથી છૂટકારો પ્રાપ્ત નથી કરી શકતા ને લખુડો અને ગામલોકોના અંતિમ ક્ષણ સુધી ચેતવ્યા છતાં માનવતા ભૂલે છે, ને લખુડાનો ભોગ લેવાય છે.
આમ આ વાર્તાનો અંત કલાત્મક છે. તેનું કથાવસ્તુ આપણા વાર્તા સાહિત્યમાં વિલક્ષણ છે. તથા તેની કેન્દ્રસ્થ ઘટના ખૂબ જ મર્મ વેધક છે. પ્રમોદકુમાર પટેલ નોંધે છે, “માનવ હૃદયની કોમળ પ્રીતિભાવના, પશુના આદિમ આવેગથી કચડાઈ ગઈ. કોઈક અજ્ઞાન પણ અંધ હિંસ્ત્ર બળનું વર્ચસ્ થવું. આવા સંદર્ભમાં જ જાણે કે જીવનનો કરૂણ કટાક્ષ (્ટ્ઠિખ્તૈષ્ઠ ૈંર્િહઅ) વ્યંજિત થતો જણાય છે. અને વળી લખુડામાં મોતની વિષમતાને કારણે એ કટાક્ષ વધુ તીવ્ર બન્યો છે. ગલાશેઠ લખુડા જોડે આઠબાર આનાના દુન્યવી હિસાબમાં રકઝક કરતો હતો, ત્યારે રાણા પશુમાં કોઈક આદિમ બળ ક્રિયાશીલ બન્યું હતું ! અને, કળવશ રાણાએ લખુડા પર જીવલેણ આક્રમણ કર્યું. આ બે ઘટનાઓ વચ્ચે રહેલી કોઈ વિષમતા Incongruity – absurdity માં જે એક અસ્તિત્ત્વની વિષમતા ઊપસી આવી છે. તેમાં તેની નિર્હેતુક્તાનો સૂર ઊઠે છે ! આ કથામાં રૂક્ષકઠોર વાસ્તવિક્તાનું નિરૂપણ કરવા મડિયાએ ઓજસ્વી, કઠોર અને જોમવંતી વાણીનો પ્રયોગ કર્યો છે…”૧૬
ડો. વિશ્વનાથ ૫ટેલ
ડો.વિશ્વનાથ૫ટેલ
અઘ્યક્ષ ગુજરાતી વિભાગ શામળદાસ કોલેજ, ભાવનગર. ફોન ૯૬૬ર૫૪૯૪૦૦ |